અધ્યાત્મની વાત આવે એટલે બે અંતિમો સામ-સામે ખડા થઇ જાય. એક અંતિમ એટલે સંદેહ અને બીજુ અંતિમ એટલે શ્રધ્ધા. સંદેહાત્મક પરિમાણથી વ્યક્તિ કોઇ બાબત ઉપર કોઇનાં કહેવા માત્રથી વિશ્વાસ નથી કરતો. શાસ્ત્રોમાં લખ્યું છે એટલે એ સત્ય જ છે કે અસત્ય છે તેવી કોઇ દ્વૈત ધારણા પણ નથી બાંધતો. તે સંદેહ કરે છે, પ્રશ્નો કરે છે, જાણવા મનોમંથન કરે છે, જાત સાથે ચકાસે છે, સિધ્ધાંતોને સાબિત કરવા મથે છે, સાબિતી માંગે છે, પરિણામ મળે તો જ આગળ વાત કરે છે પછી ભલે તે કોઇ વિખ્યાત વિભૂતિ કહેતી હોય. માત્ર વિશ્વાસ અને શ્રધ્ધા કરીને તે સ્વિકારતો નથી. સંદેહ દ્રારા તે સિધ્ધાંત, વાણી, સંદેશ, જ્ઞાનનાં મૂળ સુધી જાત-અનુભવે જવા પ્રયાસ કરે છે. સંદેહ કરનાર વ્યક્તિ જાણે નાસ્તિકતાનાં છેડા સુધી પહોંચી જાય છે! તેનાં માટે સાબિતી અને તે પણ પ્રત્યક્ષ તેમજ જાત અનુભૂતિ એ જ સત્ય. ખૂદને જાણવું એ જ અભિગમ.
તેનાથી વિપરીત રીતે શ્રધ્ધાવાન વ્યક્તિ કોઇપણ પ્રકારનો સંદેહ કર્યા વગર, કોઇ વિભૂતિએ કહ્યું છે તો સત્ય જ હશે, શાસ્ત્રોમાં લખ્યું હોય તે મિથ્યા ના હોય તેમ માનીને જેમ કહેવામાં આવ્યું છે તેમ જ જાત અનુભવ વગર પૂર્ણ વિશ્વાસ સાથે સ્વિકારીને તેને સત્ય માને છે અને કોઇ ચોક્કસ સિધ્ધાંત સાબિત કર્યા વગર તેમાં અંત:કરણનાં માધ્યમથી પોતે ગતિ કરે છે.
પતંજલિ: યોગ-સૂત્ર ભાગ:૧માં ઓશો કહે છે કે પતંજલિ તર્કસંગત, બુધ્ધિજન્ય, ગાણિતિક અને વૈજ્ઞાનિક છે, તેઓ(પતંજલિ) એમ નથી કહેતા કે વિશ્વાસ કરો અને પછી તમને અનુભૂતિ થશે, તેઓ કહે છે કે પહેલા અનુભવ કરો અને પછી તમે વિશ્વાસ કરશો. આ થઇ સંદેહાત્મક વ્યક્તિની પધ્ધતિ જેમાં વ્યક્તિ પ્રથમ જાતે અનુભવ કરે છે જે કહેવામાં આવ્યું છે તેનો અને ત્યારબાદ વિશ્વાસ કરે છે. જો કે વિશ્વાસ એટલે સ્વાનુભૂતિનું સહજ પરિણામ કહી શકાય કેમ કે જ્યારે વ્યક્તિ જાતે જ અનુભવ કરી લે છે પછી તેને કહેવું નથી પડતુ કે હવે વિશ્વાસ કરો અને શ્રધ્ધા દાખવો, તે આપમેળે જ પ્રવિષ્ટ થઇ જાય છે.
જ્યારે શ્રધ્ધા એવું કહે છે કે જો “હું” છું તો મને બનાવનાર પણ ચોક્કસ હશે જ. એ કોણ હશે, ક્યાં હશે, કેવો હશે તે સવાલો મહત્વના નથી. પણ હશે ચોક્કસ. સમગ્ર બ્રહ્માંડ છે તો તેનો રચયિતા પણ હોવાનો જ. આવડી વિશાળ પ્રકૃતિ એક ચોક્કસ નિયમમાં સંચલિત છે તો તેનો સંચાલક પણ હોવાનો જ. તેને માનવા માટે તેને પ્રત્યક્ષ જોવો જ પડે તેવી કોઇ જરુરિયાત નથી. તે એક સહજ બાબત છે. આ થઇ વિશ્વાસની વાત. આ જ મુદ્દાને સંદેહાત્મક દ્રષ્ટિએ જોનાર વ્યક્તિને સંદેહ પ્રગટે કે જો ખરેખર કોઇ રચયિતા અને સંચાલક છે તો પછી આટઆટલા લાખો વર્ષોનાં સમયગાળામાં કેમ કોઇ પ્રત્યક્ષ પ્રમાણ નથી મળ્યુ? કેમ બધુ શાબ્દિક કલ્પનાને સહારે જ માનવું પડતુ આવ્યું છે, કેમ તે સંચાલક શક્તિએ એકવાર, માત્ર એકવાર પોતે પોતાનું માનવીની ઇન્દ્રિઓ સમજી શકે તે રીતે જાહેર નથી થઈ જેથી કરીને અનાદિકાળથી ચાલી આવતી શંકાનું સમાધાન થઇ જાય અને એક સ્પષ્ટતા આવે?
જેમ કે ભગવદ્દગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, ’હે અર્જુન, આપણે બન્નેએ ઘણા જન્મ લીધા છે જે મને યાદ છે, પરંતુ તને નથી.” અહીં અર્જુનની જગ્યાએ આપણે આપણી જાત ને મુકીએ તો બે ભાગ પડી જશે. જે સંદેહાત્મક માનસ ધરાવે છે તેને તરત જ પ્રશ્ન થશે કે તો પછી જો એવું જ હોય તો હું પોતે કેવી રીતે મારા પૂર્વજન્મો વિશે જાણી શકુ? અને શ્રધ્ધાવાન માનસ ધરાવનાર વ્યક્તિને તરત જ થશે કે ખૂદ ભગવાન પોતે કહી રહ્યા છે એટલે એ સંપૂર્ણ સત્ય જ હોવાનું. આપણે જાણીએ જ છીએ કે શ્રી કૃષ્ણએ અર્જુનને આત્માનો નિયમ સમજાવવા માટે અને તેનાં સર્વ પ્રશ્નો અને સંદેહનાં નિરાકરણઅર્થે પોતાનું વિરાટ સ્વરુપ બતાવેલું. આ થયું પ્રમાણ. વિરાટ સ્વરુપનાં દર્શન કરીને અર્જુનનાં સંદેહો તો મટી જ ગયા સાથે સાથે તેનામાં શ્રધ્ધાનો પણ અહિર્ભાવ ઉત્પન્ન થયો. પરંતુ આ પ્રમાણ અર્જુન પુરતુ કહી શકાય, અન્ય માટે નહી.
સંદેહ અને શ્રધ્ધા આમ છે તો વિપરીત પાસાઓ તો પણ એકબીજા વગર અધૂરા જ છે. અંદરથી જોતા બન્ને એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ બહારથી જોતા એકબીજાનાં વિરોધી લાગે. સંદેહ છે તે કદાચ શ્રધ્ધાનું જ પ્રાથમિક અસ્તિત્વ છે અને શ્રધ્ધા એટલે સંદેહની અંતિમ! બન્નેનું અસ્તિત્વ એકબીજા સાથે જોડાયેલું છે અર્થાત જો એક નથી તો બીજુ પણ નથી! જો સંદેહ જ નથી તો માત્ર શ્રધ્ધા જ છે અને તેથી પછી શ્રધ્ધાનું અલગથી કોઇ અસ્તિત્વ નથી રહેતુ, તેવી જ રીતે જો શ્રધ્ધાનું કોઇ અસ્તિત્વ નથી તો પછી સંદેહની વાત જ અલગથી કહી શકાતી નથી કેમ કે તેના સાપેક્ષનો જ છેદ ઉડી જાય છે.
સંદેહ પ્રગટ થવાનું મુખ્ય કારણ છે પૂર્ણતાનો ખ્યાલ. સંદેહ કહે છે કે વિરાટ અસ્તિત્વ પૂર્ણ જ છે તો પછી આપણી આસપાસ આટલી બધી અપૂર્ણતા કેમ જોવા મળે છે? પૂર્ણતાનું સર્જન તો પૂર્ણ જ હોય ને, સંદેહ થાય છે. શ્રધ્ધા આ જ સિધ્ધાંતને પોતાની રીતે જુએ છે. શ્રધ્ધા જાણે કહે છે કે પૂર્ણએ બધુ પૂર્ણ જ બનાવ્યું છે. અપૂર્ણ દેખાય છે એ દ્રષ્ટિનો ભ્રમ માત્ર છે! સંદેહ કહે છે કે જો સર્વનું સર્જન પૂર્ણમાથી પ્રગટ્યું હોય તો પછી દ્રષ્ટિમાં કેમ અપૂર્ણતાનો અંશ રહી ગયો? શ્રધ્ધા કહે છે કે દ્રષ્ટિમાં અપૂર્ણતાનો અંશ પૂર્ણ દ્રારા ભરવામાં નથી આવ્યો પરંતુ એ ’વ્યક્તિગત’ ખ્યાલ છે! અને આવી રીતે સંદેહ અને શ્રધ્ધા વચ્ચે જાણે બ્રહ્માંડ છે તેવું જ અનંત વિમર્શ ચાલ્યા જ કરે છે. સંદેહ કહે છે પહેલા સાબિત કરો પછી પ્રથમ ડગલું ભરીશ, જ્યારે શ્રધ્ધા કહે છે કે પ્રથમ ડગલું ભર એટલે સાબિતી મળી જ જશે!
સંદેહ એટલે બુધ્ધિપ્રેરક સંશોધન અને શ્રધ્ધા એટલે વિશ્વાસપ્રેરક ભાવ. બુધ્ધિ અને ભાવનો વિસ્તાર. સંદેહનો આધાર છે પંચઇન્દ્રિઓ. તેના થકી જે જાણી શકાય છે અને અનુભવ કરી શકાય છે તે સત્ય છે. જ્યારે શ્રધ્ધાનો આધાર છે ભાવ. ભાવને કોઇ સાબિતીની નહી પરંતુ જોડાણની ખેવના છે. બુધ્ધિ દ્રારા જાણે એકીસાથે એક પગથિયું ચડવાની વાત છે તો ભાવ દ્રારા અસીમ વિરાટ સાથે સીધુ જ જોડાઇ જવાની વાત છે. સંદેહને જાણીને આગળ વધવું છે જ્યારે શ્રધ્ધા માત્ર માનીને એકીસાથે આગળ વધી જાય છે. સંદેહને શ્રધ્ધા આંધળી લાગે છે તો શ્રધ્ધાને સંદેહ વામણો લાગે છે.
સંદેહ એટલે જ્ઞાનમાર્ગ અને શ્રધ્ધા એટલે ભક્તિમાર્ગ. સંદેહમાં તમે છો અને બાકીનું બધું શોધવાનું છે જ્યારે શ્રધ્ધામાં પૂર્ણ સાથે તાર જોડાઇ ગયો છે અને તમે ઓલવાઈ ગયા છો અર્થાત રહ્યા જ નથી. એકમાં પોતે છે અને બાકીનું બધુ પ્રશ્ન છે જ્યારે બીજામા પોતે છે જ નહી અને બાકીનું બધુ જ છે. આમ જુઓ તો સંદેહ એટલે એક વિચારરૂપી ઉદગમ છે જેનું ગંતવ્ય શ્રધ્ધા છે! ઉદગમમાં પ્રશ્ન છે તો ગંતવ્યમાં ઉતરની કોઇ પરવા નથી! સંદેહ કહે છે કે તમે જે કહો છો તેને સાબિત કરીને બતાવો એટલે માનીશ જ્યારે શ્રધ્ધા કહે છે કે તારી માનવાની શરુઆતમાં જ તેની સાબિતી રહી છે. સંદેહને સતત સત્સંગ જોઇએ છે, શ્રધ્ધાને માત્ર એક વખતનો વિશ્વાસ.
સંદેહ અને શ્રધ્ધા એક જ વર્તુળનાં ભાગ છે જે ક્યારેય મળ્યા નથી.