Interview of Shri Mama Sarkar
અલૌકિક અનુભૂતિનું સરનામું એટલે શ્રી મામા સરકાર(રાજભા ચૂડાસમા)
તેમનો વિડિયો ઇન્ટરવ્યું અહી જુઓ: https://www.youtube.com/watch?v=QY2ujzl34ZI
પ્રસ્તાવના:
ધાર્મિક-આધ્યાત્મિક વ્યક્તિ વિશેષને મળવું એ મારો પહેલેથી શોખ અને મારા નિજાનંદનું સરનામું. કેમ કે તેમને મળવાથી સત્સંગ થાય અને સત્સંગ રસ એટલે સૌથી અદભૂત રસ, મારા માટે. તેમાં આપણી લાયકાત પ્રમાણે લૌકિક તેમજ અ-લૌકિક અનુભવ થવાની શક્યતા રહે. ખાસ કરીને લૌકિક જ અનુભવ થાય. તેનાં બે કારણો. એક કારણ એ કે કળિયુગમાં કોઇ સિધ્ધિ હોય તે પહેલા તો માની ન શકાય તેવી વાત એટલે કોઇ સિધ્ધ હોય તેવું ઓછું બને, હા પ્રચંડ જ્ઞાની હોઇ શકે જેમની પાસે આપણા શાસ્ત્રોનો વિપુલ જ્ઞાન ભંડાર હોય. તેમની પાસેથી શબ્દરૂપી સત્સંગમાં ભીંજાવાનો આનંદ ખરો પરંતુ ભાવાવેશમાં ડૂબ્યા છતા કોરા રહી ગયાનો સુક્ષ્મ ખ્યાલ તો રહે જ. અને બીજુ કારણ એ કે અલૌકિક દર્શન માટે કદાચ આપણી પાત્રતા ખૂટતી હોય. એટલે મહતમ આપણે લૌકિક ક્ષેતમાં જ વિહાર કરતા રહીએ, પોતપોતાનાં ભાવ પ્રમાણે.
——
પરંતુ પંચેન્દ્રિઓ જ્યા માત ખાતી લાગે, જ્યા ટુંકી પડતી લાગે, જ્યા શબ્દથી પર જઇ શકાય, જ્યા જ્ઞાનથી આગળ એક ડગલુ મંડાય, જ્યાથી એક વિશ્વાસ કેળવાય કે કળિયુગમાં પણ સિધ્ધિનું અસ્તિત્વ છે. અને આ વિશ્વાસ કેળવવાનું કારણ એ કે તમે પોતે જ જ્યારે અનુભવ લો અને જાણો કે ઓ…હો…હો… બુધ્ધિ કેટલી સિમિત છે અને યુનિવર્સ તો કેટલું વિશાળ અને કહીએ કે અનંત છે, ત્યારે સમજાય કે વિચારો જ્યા પૂર્ણ થતા હોય છે ત્યાથી અલૌકિક વિશ્વ શરુ થતુ હોય છે.
આવા, બે અનુભવો મે જાતે ૨૦૨૩માં મેળવ્યા, તે પણ સાક્ષીઓની વચ્ચે! તે બે અનુભવોમાનો બીજો અનુભવ એટલે શ્રી મામા સરકાર રાજભા ચૂડાસમાને મળવું. શ્રી મામા સરકાર એટલે એક સરળ વ્યક્તિત્વ. એવું સરળ વ્યક્તિત્વ કે જાણે બાળક સમાન. પરંતુ એ સરળ વ્યક્તિત્વની ભિતર છુપાયેલ છે પ્રચંડ શક્તિ જેનો અનુભવ કરીએ તો જ ખ્યાલ આવે. તેમને મળવા આવતા મહાનુભવોના જો થોડા પણ નામ જણાવું તો ખ્યાલ આવે કે તેમને દરેક ક્ષેત્રનાં અગ્રેસર લોકો મળે છે. પરંતુ તેમને મળીએ ત્યારે આવો ભાવ જરાપણ ના આવવા દે કે તેઓ ખરેખર એક અદભૂત અને સિધ્ધ-વ્યક્તિત્વનાં માલિક છે, એટલી સહજતા અને પ્રેમાળ ભાવ.
શ્રી મામા સરકારને મળવાનું થયુ May-2023માં. આ જે તેમનો વિડીયો ઇન્ટરવ્યું છે તે તો સમગ્ર મુલાકાતની ઝલક માત્ર. લગભગ બે કલાક જેટલો તેમનો સમય મળ્યો અને તે સમય દરમ્યાન અદભૂત અનુભૂતિ તેમજ કેટકેટલીય વાતોનો ખજાનો જાણે! તેમની વાસ્તવિક સરળતા તેમની વાતોમાં છલકે. “હું કંઇક છું” તેવો જરાપણ ભાવ એક ક્ષણ માટે પણ નથી અનુભવ્યો. બાકી તેમને મળવા આવેલ અને આવતા વ્યક્તિઓનાં નામ જાણો તો થાય કે તેઓ પોતે એક અલ્ટ્રા એકસ્ટ્રા ઓર્ડીનરી સ્ટેટસ ચાહે તો આરામથી ભોગવી શકે, પરંતુ પોતે કંઇક છે તેવી વાતમાં જ રસ નહી. ઉલટાનું જીવન જ એવું કે પોતાની ઓળખાણ આપવાનો અભિગમ જ નહી!
સ્વભાવગત મને લોકોનું ઓબ્ઝર્વેશન કરવાની એક આદત અને ક્યારેય પણ એવું નથી બન્યું કે વ્યક્તિને ઓળખવામાં થાપ ખાધી હોય. કોઇ ખોટુખોટુ સરસ વર્તન કરે તો પણ તે દેખાઇ જ આવે. અને જાણે રણમાં ખીલ્યું ગુલાબની માફક શ્રી મામા સરકાર એક ધાર્મિક વિભૂતી હોવા છતા તેમનાં દૈવી તત્વનો આધાર પોતાના ફાયદા માટે જરાપણ ઉપયોગ ના કરે. એ જ સાબિતી હોવાની ને એક દૈવી તત્વની! તેઓને કોઇ વ્યસન પણ નથી. પરંતુ એક વાત ખાસ જે મે નોંધી તે એ કે જનરલી આપણે મામાદેવની જગ્યાએ જઇએ ત્યારે ખાસ કરીને સિગરેટ વગેરે પદાર્થો ધરાવીએ. અહી શ્રી મામા સરકારને ત્યા તેની ના નથી પરંતુ તે પણ જાણ્યું કે મામા સરકારને ગુલાબ પણ પ્રિય એટલે ખાસ તો ગુલાબ અથવા ગુલાબનો હાર ચડાવવાની પ્રથા એટલે ગુલ્લાબાચ્છાદિત વાતાવરણ પણ માણ્યું.
કોરોનાંકાળમાં તેમણે ખૂબજ સેવાકિય પ્રવૃતિ કરેલી. જરુરિયાતમંદ વ્યક્તિઓને ખાધાખોરાકીની સહાય તેમજ તેમનું પોતાનું રેસ્ટોરન્ટ છે તેમાં તે સમયે કોઇપણ ચાર્જ લીધા વગર જમવાનું આપવામાં આવતુ. ખરેખર મોજીલા માણસ અને કહિએ કે મોજીલા મામા સરકાર.
તેમની ઓળખાણો પુષ્કળ છે જેમાં સેલિબ્રિટીઝ, ખ્યાતનામ ધર્મગુરુઓ, કલાકારો, અધિકારીઓ, રાજકારણીઓ અને તેમનો ચાહક અને ભાવક વર્ગ, આ બધુ ગણો તો લાખોમાં છે…. જી સાચુ વાંચ્યુ… લાખોમાં. પરંતુ કોઇપણ પાસે એક પણ રૂપિયો ના લેવો એ તેમનો નિયમ છે. અને કહેવા ખાતર નહી, પરંતુ તેઓ લેતા જ નથી. પોતાનું કોઇ એવું ટ્રસ્ટ પણ નથી બનાવ્યું કે જેમાં પાછલા બારણેથી ડોનેશન લઇ શકાય. સ્પષ્ટ અને સીધુ વ્યક્તિત્વ. હવે, આવા વ્યક્તિરૂપી દેવત્વને મળીએ તો મોજ આવે કે નહી? હા, તેમને મળવું એ જરાપણ સહેલું નથી કેમ કે તેઓ સતત પ્રવાસમાં હોય છે અને તેમની એપોઇન્ટમેન્ટ મળવામાં મહિનાઓ કે વધારે લાગી શકે. તેમની તારીખ મળે તે ધ્યાનમાં રાખીને તેમનાં ભાવિકો પરિવારમાં શુભ પ્રસંગ ગોઠવતા હોય છે તે પણ જાણ્યું. અને મને તેમની એપોઇન્ટમેન્ટ મળી તેને પણ ખાસ્સો સમય લાગેલ. પરંતુ હું આભાર માનું છું શ્રી રૂપલબેન વસાવડા ચૂડાસમાનો કે જેમણે નિમીત બનીને શ્રી સરકાર સાથે મુલાકાત કરાવી. ફરી ક્યારે મળવાનો સંજોગ થાય તેની રાહ છે હવે અને સ્વભાવ ખોજી હોવાથી એમ પણ થાય કે શ્રી મામા સરકાર સાથે સમય ગાળવો એટલે જાણે જ્ઞાનથી પર આવેલ વિશ્વમાં ડુબકી. આવો સંજોગ તો ફરી ગોઠવાશે તો ઇશ્વરકૃપા.
કોઇનાં ખોટા વખાણ કરવાની મને આદત નથી એટલે જ જ્યારે શ્રી મામા સરકારને મળવાનું થયુ તેમજ તેમનાં વિશે, તેમનાં કાર્યો વિશે જાણ્યું ત્યારે મને પણ મોજ પડી, જાણે તેમની મોજ મને ટ્રાન્સફર થઇ! સરકાર શબ્દને પૂર્ણરુપે અને ખરા અર્થમાં તેઓ જીવી રહ્યા છે. મારા માટે “સરકાર” શબ્દનો અર્થ થાય વિશાળતા, એક એવી વિશાળતા જેમાં પ્રજા સમાઇ જાય! બસ આવું જ તેમનું વ્યક્તિત્વ અનુભવ્યું અને તે આલેખું છું.
તેમને મળ્યો ત્યારે તેમણે અમુક વાક્યો કહ્યા જે ચિતમાં રહિ ગયેલ, તે અહીં શેર કરુ છું, તેમાનાં અમુક વિડીયો ઇન્ટરવ્યુંમાં પણ છે (https://www.youtube.com/watch?v=QY2ujzl34ZI):
– “મારી દુનિયા સ્વાર્થની નથી, શ્વાસની છે.”
– “મારે દાન નથી જોઇતુ, દિલ જોઇએ છે લોકો પાસેથી.”
– “પૈસા નથી જોઇતા, પ્રેમ જોઇએ છે.”
– “મોજમાં કોઇ’દી ખોજ ના હોય અને ખોજ હોય ત્યાં મોજ ના હોય.”
– “વિચારને વહેંચી નાખુ છું.”
– “શાંતિથી મોટો કોઇ ચમત્કાર જ નથી.”
– “આપણને શાંતિ અનુભવ થાય એ જ મોટો ચમત્કાર છે.”
– “મારે કોને અંતરમાં રાખવા અને કોનાથી અંતર રાખવું એ મને ખબર છે.”
– “આપણી ઇચ્છા હોઇ શકે, પણ લીલા તો ઇશ્વરની જ હોય છે.”
– “ઇચ્છા કરાય પણ કોઇની ઇર્ષા ના કરાય.”
– “નસીબ હોઇ શકે પણ નિંદા ના હોઇ શકે કોઇની.”
– “લોકો ખુશ રહે એ મારો શોખ.”
– “કોઇપણ પરિસ્થિતિમાં પોઝીટીવ રહેવું અને ખુશ રહેવું આ બે મારા શોખ છે.”